મોટીબા, રિક્ષા આવી ગઈ, નાના દીકરા શ્રીકાંતના અવાજથી બામાં તાજગી આવી ગઈ. તેઓ જલ્દીથી એમનો સામાન સમેટવા લાગ્યા. હજુ તો દસ વાગ્યા હતા. અગ્યાર વાગ્યાની 'બસ' હતી અને પછી એમની દીકરી શીલા અને સંબંધી કિશોરભાઈ, સ્મૃતિબેન પણ બસ સ્ટેશન પર મળશે. કેટલાય દિવસોથી એમના મનમાં ઈચ્છા હતી કે પોતાનું ઘડપણ સુધારીલે. હરિદ્વાર જઈ ગંગમૈયામાં ડૂબકી મારી આવે. જ્યાં સુધી દેહ માં થોડી ઘણી તાકાત છે તો યાત્રાએ થઈ જાય. નહીં તો પછી કોઈની સહાયતાની જરૂર પડે. આમ તો વિજયાબેન મક્કમ મનના અને શરીરે સ્વસ્થ હતા. એમના પતિ ટુરીઝમની નોકરી કરતા હતા, એટલે ઓળખાણથી એમણે બસમાં થોડી ઘણી યાત્રાઓ કરી હતી.