૨૭ કુમારપાલનો આશાતંતુ! ક્ષુધાની શાંતિ થઇ એટલે બંને જણા પહેલાં તો કોઈ ડુંગરટેકરાનો આશ્રય લેવા ગયા, ત્યાં એમને વધારે સલામતી જણાઈ. પડખે એક પાણખાણ જેવું હતું એમાં ઘોડાને ઉતારી દીધો. ઘાસ નીરીને કાકભટ્ટ કુમારપાલ પાસે બેઠો. ‘મહારાજ! તમે આંહીં ક્યાંથી? ઉદયનજીએ તો મને તમારા દક્ષિણના સમાચાર આપ્યા હતા!’ ‘સૌ એમ જ ધારે છે. પણ કાંતિનગરીમાં મહારાજને જોઈએ છે એવો રાજગજ છે એ મને ખબર હતી. મહારાજ એ વહેલામોડા લેવા જશે જ, એ મારું અનુમાન સાચું નીકળ્યું છે. હું પણ ત્યાં જાઉં છું, વખત છે ને છેલ્લી પળ આ મુદ્દામાં મહારાજને મારો ખપ દે તો હું મારું આ ચક્ર ઉતારી શકું.