૨૨ કૃષ્ણદેવે શું કર્યું? ઉદયન પાસેથી નીકળીને કૃષ્ણદેવ સીધો રણક્ષેત્રમા ગયો. પણ એના મનને શાંતિ થઇ નહિ. પોતાને હવે જેમ બને તેમ જલદી મહારાજને વાત કરવાની હતી. થોડી વાર પછી એ મહારાજની પાસે જ ગયો. મહારાણીબા હવે આવવાનાં એ ચોક્કસ હતું. એમનો શબ્દ સમર્થ નીવડવાનો. પણ મહારાણીબાને તેડાવનાર ઉદયન જ હોવો જોઈએ, એ વાત મહારાજની નજર બહાર નહિ રહે. ઉદયન સાથે પોતાનું નામ જોડાય એ પણ સંભવિત હતું. એણે પાણી પહેલાં પાળ બાંધવામાં સલામતી જોઈ. ઉદયનની વાતે બરાબર હતી. એને માટે આનકરાજની યોજનાની વાત મહારાજ પાસે મૂકવાનો જ રસ્તો રહ્યો હતો. મહારાજ પાસે એ પહોંચ્યો. કુમાર-અભિષેકની તૈયારીની મંત્રણા અંદર ચાલી