૩૫ રાણી ભોપલદે! કુમારપાલ ત્યાં રણભૂમિમા જ છાવણી નાખીને પડ્યો રહ્યો. કાકભટ્ટના કોઈક સંદેશાની એ રાહ જોતો હતો. નડૂલના કેલ્હણને એણે અત્યારે જવા તો દીધો, પણ પોતાનું સૈન્ય નડૂલ લેવાનું એણે નક્કી કર્યું હતું. પણ કાકભટ્ટનો સંદેશો મળે, તો સૈન્યનું દિશાપ્રયાણ નક્કી થાય તેમ હતું. બલ્લાલ કર્ણાટકનો હતો, એટલે માલવામાં એનાં મૂળ હજી ઊંડાં બેઠાં ન હતાં. એને કર્ણાટક પાછો હાંકી કાઢવાનો હતો એટલું જ. કાક એટલું ચોક્કસ કરી નાખશે એની કુમારપાલને ખાતરી હતી. એટલે વિજયોત્સવ ઊજવતું ચૌલુક્ય-સૈન્ય થોડો વખત આરામ લઇ લે તો પછી એને માલવા કે અર્બુદગિરિ તરફ ઊપડવાનું સહેલું થઇ પડે. હવે રણભૂમિની કટુતા ઘસાઈ ગઈ હતી.