પાટણની પ્રભુતા - ભાગ 9

  • 3.1k
  • 1
  • 2.1k

૯. મામો અને ભાણેજ- મામાને મળવા જતાં ત્રિભુવન ગભરાયો. તેણે આખી જિંદગીભર તેને દુશ્મન ગણ્યો હતો. કોઈ દિવસ એક અક્ષર પણ તેની સાથે બોલ્યો નહોતો અને તેની ખ્યાતિ મોટા મોટા મુત્સદ્દીને પણ ધ્રુજાવે એવી હતી. છતાં છોકરાનો નિશ્ચય દંઢ હતો. પોતાની મા પર ગુજારેલા જુલમની વાતથી તેનું હ્રદય ઘવાયું હતું. જુલમગારોને યોગ્ય શિક્ષા કરવા તેનો હાથ તલસી રહ્યો; પણ તેના બાપ કરતાં તેનામાં દુનિયાનું જ્ઞાન વધારે હતું. જાણી જોઈને પોતે બધી વાતથી અજાણ જ છે, એમ તેણે મંડલેશ્વ૨ને દેખાડ્યું હતું; પણ સામળ બારોટ તેમ જ બીજા માણસો પાસેથી તેણે ઘણી વાતો સાંભળી હતી, અને તેના પર પોતાના અભિપ્રાય બાંધ્યા હતા.