વિવાને ઘરે આવીને કપડાં બદલી બેડમાં પડતું મૂક્યું. સાંજનો બનાવ એને વ્યગ્ર કરી ગયો હતો. આત્મકથાનું પુસ્તક કારમાં જ ઉથલાવવા માંડ્યું હતું પણ બેકલાઇટના પ્રકાશમાં સરખું કળી શકાયું નહોતું. સાઈડ લેમ્પના ઉજાસમાં પુસ્તકનું મુખપૃષ્ઠ ખરેખર સુંદર લાગતું હતું. વિવાન પરફેકશનનો આગ્રહી હતો. જો પોતે આ પુસ્તક બહાર પડ્યું હોત તો આ તમામ બાબતોનો ખ્યાલ રાખ્યો હોત, એવી જ ચીવટથી કવર ડિઝાઈન થયેલું હતું. પોતે આ કવરની ડિઝાઇન વર્ષો પૂર્વે બનાવેલી એ ચીજ હૂબહૂ કોઈના દિમાગમાં કઈ રીતે ઉદ્ભવી શકે એ વાત જ અજાયબી ભરેલી હતી. પ્રકરણ પહેલાનો જ ઉઘાડ થતો હતો સૂકાંભટ્ટ ખેતરમાં.. મે મહિનાનો સૂરજ આકરા મિજાજમાં હતો .