૪૬. એ બહાદુરો ક્યાં છે ? ૧૯૧૮મું વર્ષ : અગિયારમો મહિનો : અગિયારમી તારીખ : અગિયારના આંકડા પર ઘડિયાળના કાંટા ચડ્યા : અને તારનાં દોરડાં ગુંજી ઊઠ્યાં. તોપોના અગિયાર-અગિયાર ધુબાકાએ હવાને ધુણાવી મૂકી. જગતનાં હથિયાર હેઠાં મુકાયાં. તલવારો મ્યાન બની, જીવતા હતા તે જુવાનો પડઘમોના પ્રેમ-સ્વરો જોડે તાલ પાડતાં, પગલાં દેતાં ઘેર ચાલ્યા. મૂઆ હતા તેમનાં માતાપિતાઓને ખોળે લશ્કરી ચાંદ અને ચગદાં રમ્યાં. લાખો અનામી લડવૈયાઓનાં નામ પર એક એક ખાંભો ખડો થયો હતો. એવાં ખાંભા તે દિવસે ફૂલોના હારો તળે ઢંકાયા. યુદ્ધવિરામનો દિવસ હતો. ગામડે રમાતી નવકૂકરીઓની રમતો તે દિવસે ઊઠી ગઈ. જર્મનીનો પક્ષ તાણનારા અને કૈસરની મૂછો ઉપર