૧૦. ગંગોત્રીને કાંઠે બા મુંબઈ ચાલી ગઈ હતી. બાની બીજી વાતો પિનાકીને ગમતી; પણ રોટલી અને રોટલા ઉપર હર વખતે લોંદો-લોંદો ઘી ‘ખા ને ખા જ !’ એવી જિકર એને કડવી ઝેર લાગતી. શિયાળાની રજામાં મૂસળીપાક ને સાલમપાકના મસાલેદાર લાડુ ભાણાને જોરાવરીથી ખાવા પડતા. ખારેકનો આથો એને દુર્ગંધ દેતો, અને વારંવાર એને બોલાવવા આવતી થાણદારની પુત્રી પુષ્પા પણ આ આગ્રહભેર અપાતા પાકના લાડુ જેવી જ અણગમતી થઈ ગઈ હતી. છીંટની ઝાલરવાળો ચણિયો પુષ્પાને કેવો ખરાબ લાગે છે ! એની રાજકોટની નિસાળમાંથી શીખેલી ચટક-ચટક ચાલ શું સારી કહેવાય ! ને એના કાનનાં એરિંગો તો ચિરાઈ ઉતરડાઈ ગયેલી ચામડી જેવાં લબડે છે