સોરઠ તારાં વહેતાં પાણી - 9

  • 3.5k
  • 1
  • 2k

૯. શુકન દીપડિયો વોંકળો થાણાની ભેખડને ઘસીને વહેતો હતો. પાણીનો પ્રવાહ સાંકડો ને છીછરો, છતાં કાંઠાની ઊંચાઈ કારમી હતી. તાજું જન્મેલું હરણું જો માને બે-પાંચ વાર ધાવ્યું હોય તો જાણે કે વોંકળો ટપી જવાના કોડથી થનગની ઊઠે. પ્રભાતનાં તીરછાં કિરણો દીપડિયાના ઊંચા એક ધોધ ઉપર પડતાં ત્યારે ધોધના પછાડામાંથી લાખો જળ-કણોની ફરફર ઊઠીને પ્રભાત સામે ત્રણ થરાં મેઘધનુષ્યોની થાળી ધરતી. થાણું નહોતું ત્યારે ત્યાં વાઘ-દીપડા રાતનું મારણ કરીને ધરાઈ ગયા પછી પરોઢિયે છેલ્લું પાણી પીવા ઊતરતા, તે ઉપરથી એ વોંકળાનું નામ દીપડિયો પડ્યું હતું. રાતભર દીપડિયો જાણે રોયા કરતો. એનું રોવું ગીરના કોઈ ગાંડા થઈ ગયેલા રબારીના રોવા જેવું હતું.