ચંપુ મને હવે ઓળખતું હતું. દિવસે દિવસે એનું કદ પણ વધ્યું. અને અસ્સલ એની મમ્મી જેવું દેખાવા લાગ્યું હતું. અમારી દોસ્તીને ત્રણ-ચાર મહિના થયા હશે, આજે પહેલી વાર એવું બન્યું કે ચંપુ એની જગ્યાએ નહોતું. મને બહું ખરાબ લાગ્યું, રોટલીનો ટુકડો ત્યાં મૂકી દઈ હું સ્કૂલે જતી રહી. સાંજે આવીને જોયું તો રોટલી એમજ પડી રહી હતી, પછી તો રોજ આમજ થવા લાગ્યું. રોટલી ગમે ત્યારે ગાયબ થઈ જતી પણ ચંપુ દેખાતું નહીં. મારા સ્કૂલના ટાઈમે એ ખાઈ જતું હશે કદાચ. સાંજે પણ હું એને જોતી તો એ વાંદરાના ટોળામાં ઉછળ-કૂદ કરતું, ધાબેથી કે ફળિયામાંથી થઈ ને આગળ વધી જતું.