“અંતરા, અંતરા, ઊઠ... ચા નાસ્તો લઇ આવ્યો છું.” વિનીતે અંતરાને ઝંઝોળી ત્યારે અંતરા ઊઠી. શરીર અને મનથી થાકેલી અંતરા બેડ પર જેવી બેઠી કે તરત જ વિનીત તેની બાજુમાં બેસી ગયો. “લે, તારા માટે ચા અને ગરમ ગરમ બટાટા પૌંઆ લઇ આવ્યો છું.” અંતરાએ થોડી ગુસ્સાવાળી આંખોથી વિનીત સામે જોયું, પણ વિનીતની આંખોના કોઇ ભાવ એ વાંચી શકી નહી. વિનીતે અંતરાથી આંખો હટાવીને ડિશમાં બટાટા પૌંઆ કાઢ્યા. ગ્લાસમાં ચા કાઢીને ટેબલ અંતરા તરફ કરતાં બોલ્યો, “લે, ગરમ ગરમ છે, હમણાં જ ખાઈ લે.” અંતરાએ એકદમ ગુસ્સામાં આવીને કહ્યું, “મને ભૂખ નથી લાગી.” વિનીતે તરત જ અંતરાનો હાથ પોતાના હાથમાં લીધો.