વિપુલ શાહ અને પૂજા શાહ નાં અમે બે સંતાન મનોજ અને હું. હું પહેલી જન્મી, મારો ભાઈ પાંચ વરસ પછી જનમ્યો. બાળપણથી જ મારા ઉપર એવી છાપ કે મારાં માબાપને હું જોઈતી નહોતી. એમને જોઈતો હતો પહેલા ખોળે દીકરો પણ આવી ગયી મૃણાલી !!!. એટલે બન્ને આ બાબતે લડ્યા કરતા. અને મારા ઉછેરમાં એ ખટાશ કાયમ રહી. હું વણજોઈતી છું, એમ મને હંમેશાં લાગ્યા કર્યું. તેમાં વળી મારા જન્મ પછી પાંચ વરસ સુધી બીજું સંતાન ન થયું. એટલે કાયમ બન્નેનાં મન ઉંચાં રહેતાં. એમનો એ ઉદ્વેગ અવારનવાર મારા ઉપર ઠલવાતો. છેવટે મારા ભાઈ મનોજનો જન્મ થયો, ત્યારે ઘરમાં વાતાવરણ બદલાયું.