સ્વાભિમાની ગરીબ છોકરાની આંખમાં અને દુઃખયારી બાઈના બેડામાં જે ચમક હોય છે એ ચળકાટ કદાચ સૂર્યના પ્રકાશને પણ ઝાંખો પાડી દે છે. દેવલના ચહેરા પરની કાળાશ એનું બેડું ઢાંકી દેતું હતું. એના માથા પર ધાતુના વજન કરતા કાશીબાના શબ્દોનો ભાર વધુ હતો. આવી દેવલ ડેલીની બહાર નીકળી કે તરત જ બીજી પનિહારીઓનો સાથ મળી ગયો. એ એમની સાથે કૂવા તરફ હાલી નીકળી. આમ તો કરણુભાના આંગણામાં કૂવો હતો, પણ એનું તળ દેવલના સુખની જેમ ઊંડું જતું રહ્યું હતું. એટલે જ નાછૂટકે એમના પરિવારને પણ બીજા ગામલોકોની જેમ પાણી ભરવા બહારના કૂવા પર જવું પડતું હતું. પહેલા તો ગામની બાઈઓ પાણી