પવનચક્કીનો ભેદ - 6

(15)
  • 4.5k
  • 3
  • 2k

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૬ : ખંડેર આગળ બૂમાબૂમ આખા ખંડિયેરમાં અને આસપાસ નાનાં નાનાં ઝાડ ઊગી નીકળ્યાં હતાં. અહીંતહીં ભાંગીતૂટી દીવાલોમાં થઈને એમનાં ડાળાં, પાંદડાં અને મૂળિયાં બહાર લટકતાં હતાં. એમના ફેલાવાને કારણે મકાનની દીવાલો ફાટવા અને તૂટવા લાગી હતી. કાચિંડા અને ગરોળીઓને અહીં મોકળું મેદાન મળી ગયું હતું. પંખીઓ ગોથ મારી મારીને ખુલ્લી છતમાંથી ધસી આવતાં હતાં. રામ અને મીરાં જાણે પૂતળાં હોય એવી રીતે ખડાં ખડાં જોઈ રહ્યાં. અમેરિકાની ધરતી પર પહેલવહેલો પગ મૂકીને ક્રિસ્ટોફર કોલંબસ આમ જ ઊભો રહ્યો હશે. ભરત પણ એમની બાજુમાં ચૂપચાપ ઊભો હતો. આ ખંડિયેરથી એ ડરી ગયો હતો.