ઘડિયાળનો કાંટો સરકતો હતો. ઘડિયાળની ટીક ટીક સાથે મારા હૃદયના ધબકારાની સ્પીડ પણ વધતી હતી. થોડી જ વારમાં મારી બાયપાસ સર્જરી હતી. મારું આખું શરીર શેવ કરવામાં આવ્યું હોઈ કોઈ શિલ્પ જેવું લાગતું હતું.મને અંદરથી ધ્રાસકો પડ્યો. રખે ને મારી અંતિમ ઘડીઓ હોય. તરસ લાગેલી પણ ગઈકાલ રાતથી ખાવા તેમ જ કાંઇ પણ પીવાનું બંધ કરવામાં આવેલું.એક સ્ટ્રેચર આવ્યું. મને હોસ્પિટલનો ગાઉન પહેરાવવામાં આવ્યો. હવે તો મારો શ્વાસ પણ ઝડપથી ચાલવા માંડેલો. મારી પત્ની અને સંતાનો મારા સ્ટ્રેચર સાથે ચાલતાં હતાં. મને ખુબ જ ડર લાગતો હતો. ભગવાન નું નામ.. શક્ય જ ન હતું. એમ તો બી.પી. હજુ વધવા માંડે.