છ મહિના પછી, સાંજના ૦૬:૨૫ કલાકે મુંબઇના બોરીવલી ઇસ્ટ વિસ્તારમાં એક બેડરૂમ, હોલ - કિચન ધરાવતા ઇશાનના ફ્લેટમાં સોફા પર બેઠેલો ઇશાન કોફીની મજા માણી રહ્યો હતો. કિચનમાંથી મસાલા ભીંડીના વઘારની સોડમ જીભને લલચાવી રહી હતી. સોફા પરથી કિચનમાં ચાલી રહેલી હિલચાલ દેખાતી હતી. એક સ્ત્રી સાડીનો પલ્લુ કમરમાં ઘોસી રસોડામાં કાર્યરત હતી. અંબોડો વાળેલો હોવાને કારણે આકર્ષક પીઠ અને કમર દેખા આપી રહેલા. કોફીના પ્રત્યેક ઘૂંટ વખતે ઇશાનનું ધ્યાન ત્યાં જ જઇને અટકતું હતું. આખરે ઇશાન ઊભો થઇ રસોડામાં ગયો અને સ્ત્રીની કમર પરથી હાથ પસાર કરી તેને પોતાની તરફ ખેંચી. સ્ત્રી પણ ચાલાકી વાપરી ગોળ ફરી.