યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૩ સૂર્યકાંતે હળવેકથી વસુમાના કપાળથી વાળ સુધી હાથ ફેરવવા માંડ્યો... અત્યાર સુધી ડૂમો બનીને ગોરંભાતું રહેલું રૂદન બંધ આંખે જ વસુમાની આંખોના ખૂણામાંથી ગાલ ઉપર થઈને ગળા સુધી વહી આવ્યું. સૂર્યકાંતે હળવેથી વસુના કપાળે હાથ ફેરવવા માંડ્યો, ‘‘વસુ, બધું જ જાણતી હોવા છતાં તેં કેમ કાંઈ ન કહ્યું ? શું કામ ચૂપ રહી ?’’ વસુમાની આંખો હજુયે બંધ જ હતી. એમણે બંધ આંખે જ થૂંક ગળાની નીચે ઉતાર્યું. એક ઊંડો શ્વાસ લીધો અને ખૂબ હળવેથી પોતે જ સાંભળી શકે એમ કહ્યું, ‘‘હું તો પરણીને આવી એ રાતથી જ મને ખબર હતી કે મારું કંઈ નથી.