યાત્રાધામ ઋષિકેશમાં સાંજની વિદાય અને રાત્રીનાં પગરવનો એ નજારો અત્યંત મનમોહક લાગી રહ્યો હતો. અસ્ત થતાં સૂર્યનાં કેસરિયાં કિરણો ગંગાનાં નિર્મળ નીર પર રેલાઈને એની સુંદરતાને ઔર રમણીય બનાવી રહ્યાં હતાં. દૂર મંદિરમાં થતો ઘન્ટનાદ અને શ્લોકોચ્ચાર વાતાવરણમાં અલૌકિક પવિત્રતાનો છંટકાવ કરી રહ્યાં હતાં, ત્યારે અનુરાગ ગંગાનાં કિનારે એક ગોળાકાર પથ્થર પર બેસીને દુર દુર ક્ષિતિજમાં અસ્ત થતાં સૂર્યને અપલક નીરખી રહ્યો હતો. ભલે અનુરાગની આંખો એ રમણીય દ્રશ્ય પર મંડાયેલી હતી, પણ તેનું મન તો તરબોળ હતું એની સરયૂમાં જ,એ પોતાને પણ માંડ સંભળાય એટલું ધીમેકથી બોલ્યો , "જો સરયૂ તને ગમતો ગંગાનો તટ..આ શાંત લયબદ્ધ વહેતું પાણી.. શાસ્વત સ્થાયી આ નીરવ શાંતિ.. ને બસ એમાં લીન આપણે બે..