માવોલોજી લેખક: અધીર અમદાવાદી તમે ઘરની બહાર નીકળો અને એકાદ કિલોમીટર દૂર જાવ એટલામાં તમને એકાદ માવાલય દેખાશે જ્યાં કોક વ્યક્તિ માવામર્દન એટલે કે માવો ઘસતો જોવા મળશે. થોડે આગળ જાવ એટલામાં કોક માવાવમન કરતો એટલે કે થૂંકતો પણ દેખાશે. ટૂંકમાં ‘માવો એ આપણા સમાજનું અભિન્ન અંગ છે’ એવું માવા ઉપર નિબંધ પુછાય, તો લખી શકાય. આપણા સદનસીબે આપણી પાસે વૈજ્ઞાનિકો નહીં હોય એટલાં માવોલોજીસ્ટ પડ્યા છે. કેટલો જાડો કે પાતળો ચૂનો નાખવો, નાખેલી સોપારીમાંથી વીણીને કયો એક ટુકડો કાઢીને ફેંકી દેવો, માવો કઈ રીતે કેટલી વાર સુધી મસળવો વગેરેને લગતા વિજ્ઞાનને માવોલોજી કહે છે. માવોલોજીના અભ્યાસીઓને માવોલોજીસ્ટ કહે છે.