'મને ગમે છે ને એ?!'એટલું બોલતા જ આંસુ દડ-દડ ગાલ પરથી વહેવા લાગ્યા. એવું લાગતું હતું કે જો કોઈ નહીં સંભાળે કે આલિંગનમાં નહીં લે તો હૃદય ધબકારા ચૂકી જશે.આ શબ્દો પરાક્રમ, અતિશયોક્તિ કે ગાંડપણમાં બોલાયા હોય એવું તો રિધમને જોઈને લાગતું ન હતું. આ એક નરી સહજતા હતી જે રિધમને ભેટ સ્વરૂપે મળી હતી. એવું પણ ન હતું કે ભાવાવેશમાં આવીને એને ખબર ન હતી કે આ શબ્દો કોની સામે બોલાઇ રહ્યા છે. એની એક ખાસિયત હતી કે સહજતાથી એ કોઈ પણ પ્રશ્નને કે કોઈ પણ સંબંધને સરળ બનાવી દેતી. દીવાનખંડમાં એક પ્રકારનો સન્નાટો છવાયેલો હતો.