શિયાળાની સવાર એટલે શરીરનો રાજયોગ, પ્રકૃતિએ આપેલી અનુપમ ભેટ, સૂરજદાદાનાં સોનેરી કિરણોનો મીઠો વરસાદ, જાણે આપણા દેહ ઉપર ઉમળકો લઈને ઠલવાય. સોનામાં સુગંધ ભળે એમ પંખીઓની કિલકારી રોમેરોમમાં આનંદ પ્રસરાવી જાય. માનવીની ભીડભાડ અને ઘોંઘાટથી અલાયદી હોય એમ ઉગમણી ક્ષિતિજે, ઉષા કેસરિયો સાફો પહેરી ઉગી નીકળે. સુરજને દાદા કેમ કહેતા હશે એનું કારણ આજ મને જડ્યું છે, ઉનાળાની ધોમધખતી બપોરે, લાલ ચટ્ટાક થઇ ગયેલા આકરા સ્વભાવના હોય, જ્યાં એકાદ મિનિટ ઉભુ રહેવામાં પણ હાંફ ચડે, અને શિયાળાની ગુલાબી સવારે મીઠા મધ જેવા, હળવી હુ