સમી સાંજના ઉતરતા ઓળાઓએ એ સૂની અને ભેંકાર જગ્યાને વધુ ઉદાસીન અને ગમગીન બનાવી દીધી. ચોતરફ સ્તબ્ધતા છવાયેલી હતી. સુસવાટા મારતો પવન પણ વાતાવરણમાં પ્રસરેલા શોકને જ વધારતો હતો. અંધારું છવાતા નિશાચર પ્રાણીઓ અને પક્ષીઓનો અવાજ નિરવતાને ડહોળી ભયાનકતામાં ફેરવતો હતો. ચારેબાજુ ચીર નિંદ્રામાં સૂતેલા માનવીઓની કબરો વચ્ચે એક જ જીવતો માણસ બેઠો હતો. અને એ પણ લાશ જેવો જ ... તે એકી નજરે હજુ હમણાં જ માટી વાળેલી કબર તરફ જોઈ રહ્યો હતો. લાશને દફનાવવા આવેલા લોકો ત્યાંથી વિદાય થઈ ચૂક્યા હતા. “ રોબર્ટ ...ચાલ હવે જે થવાનું હતું તે થઈ ગયું.. હવે તારી જાતને સંભાળ.. જરા હિંમત રાખ...