'સમ્યક, લગ્નનું સામાજિક - બાહ્ય બંધન મારાં મન-હૃદયને નહીં બાંધી શકે. તું મને રાજીખુશીથી અલગ કર. હું બાકીની જિંદગી કાર્તિક સાથે ગુજારવા ઇચ્છું છું. ' આખરે કામ્યાએ બંડ પોકારીને કહી દીધું. કામ્યાના એટલું કહેવાની સાથે જ એનાં ગોરા-ગોરા ગાલ પર સહસા સમ્યકની ચારેચાર આંગળીઓની સ્પષ્ટ છાપ ઉઠી આવી. હા, છેવટે સમ્યકે સહનશીલતા ગુમાવી એક જોરદાર થપ્પડ કામ્યાના ગાલ પર રસીદ કરી દીધેલી. બીજી પળે, પોતાની જાતને અપમાનિત થયેલી મહેસૂસ કરતો ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયેલો. કામ્યા ડઘાયેલી હાલતમાં ફસડાઈ પડેલી.