બીજે દી સવારે શકુરમિયાં તબીયત ઠીક નહીં હોવાના કારણે અને જાવેદને કામથી બાર શહેરમાં જવાનું હોવાના કારણે આજે ખેતર સંભાળવાની અને બધાં જ દાળિયાઓનાં કામને જોવાની જવાબદારી રહેમત માથે હતી. રહેમત સવારમાં ઊઠીને ઘરનું થઈ શકે એટલું નાનું-મોટું કામ પતાવી લેતી કારણકે શબાનાને પાંચેય છોકરાંવનેય સાચવવાના અને જિન્નતબાનુંની તબીયત પણ થોડી નરમ-ગરમ રહેવા લાગી હતી... શબાનાનાં ના કહેવા છતાં રહેમત વહેલી ઊઠીને કામ કરવા મંડી જતી જેથી શબાનાને પણ થોડો આરામ મળી રહે.