“આવી ગ્યા એમને?” વેરણ-છેરણ પડેલી ઘર વખરીને ટપીને દરવાજા બાજુથી કોઇકનો અવાજ આવ્યો, “ હા.. હો.” મે અને બે’ને પલંગ ફિટ કરતા કરતા કહ્યુ; મે વળી એક નજર જોઇ લીધું કોઇ મા’ડી હતા, કદાચ પાડોશી હશે એવું મે ધારી લીધુ. મા’ડી, ડાઇનિંગ ટેબલ ની ખુરશી પર હાથ ના બે પ્રહાર કરી બેઠા. તેમના પ્રહાર ના લીધે હવામાં થોડી વધુ ધૂળ ભળી અને મને ધૂળ ની એલર્જી, એક સામટી છ છીંક ખાઇને મે મા’ડી નો મનોમન આભાર માન્યો. “હા, હવે શાંતિથી કર્યા કરજો બધુ કામ, અઠવાડિયું તો નીકળી જ જાહે.” મા’ડી બોલ્યા. પલંગ ફિટ થયો એટલે મે મા’ડી સામે નીરખીને જોયુ;