સંબંધ નામે અજવાળું - 20

  • 3.7k
  • 1
  • 922

ગોધુલીવેળા થઈ ગઈ છે. આથમતી સાંજના શુકનવંતા રતાશભર્યા અજવાસમાં વઢિયારા બળદના ઘમ્મરિયાળા ગાડામાં બેસીને જાન ગામમાં પ્રવેશી ચુકી છે. જાનડીયું લાંબા સાદે વહુની આગતાસ્વાગતની ઠઠ્ઠામશ્કરીના ગીતો ગાઈ રહી છે. એ ગીતોને તાલ પુરાવતા હોય એમ બળદને શણગારેલા ભરતના છેડે હારબંધ ગુંથાયેલી ઘુંઘરીઓ રણકી રહી છે. ધ્રબાંગ ધ્રબાંગ ધ્રબાંગ ધ્રબાંગ ઢોલ પર હરખઘેલી દાંડી પીટાઈ રહી છે. લાલલીલી બંગડીઓ પહેરેલા મહેંદીવાળા કન્યાના હાથ ઘરચોળાના ઘુંઘટને સહેજ ઉંચો કરી પહેલી વખત પોતાના સાસરિયાને જોઈ રહી છે. ફૂલદડોને ઓખણ પોખણની વિધિ પૂરી થાય છે. નવોઢા કંકુ પગલા પાડીને ઘરમાં પ્રવેશી.