રાજેશ્વરીને મૃત્યુ જોઈને પહેલા તો તેનું હૃદય એકાદ-બે ધબકારા ચુકી ગયું. પણ પછી તરત જ સ્વસ્થ થઈને લાઇટર બુઝાવી, ગજવામાં મૂકીને તે અર્ધ ઉઘાડા બારણામાંથી મૃતદેહને ટાંપીને અંદરના ભાગમાં દાખલ થયો. અને ફરીથી લાઇટર પેટાવીને રાજેશ્વરીના મૃતદેહ પાસે ઉભડક પગે બેસી ગયો. રાજેશ્વરી પડખાભેર પડી હતી. એના મસ્તકની આજુબાજુ, જુના રંગ ખવાઈ ગયેલા ગાલીચા પર લોહીના પાટોડા ભરાયા હતા. એણે પહેરેલું ગુલાબી રંગનું બારીક ગાઉન એના ખભા પરથી નીચે સુધી ચિરાયેલું હતું. એની ડાબી આંખ બંધ હતી અને જમણી ઉઘાડી જ રહી ગયેલી આંખમાં જિંદગીની કોઈ જ ચમક બાકી નહોતી. એનો લોહીથી તરબતર થઇ ગયેલો ચહેરો માંડ માંડ ઓળખી શકાતો હતો.