દિલીપ અને કુલકર્ણીને વિનોદને ત્યાંથી ફૂરસદ મળી, ત્યારે રાતના નવ વાગી ગયા હતા. વિનોદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. મકાનને પોલીસે સીલ મારી દીધું હતું. પ્રાથમિક ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી બંને જીપ પાસે આવ્યા. ‘હવે આપનો શું પ્રોગ્રામ છે સર...?’ કુલકર્ણીએ ડ્રાયવીંગ સીટ પર બેસતાં પૂછ્યું. ‘કંચનને શોધવી ખૂબ જ જરૂરી છે કુલકર્ણી! હું એને શોધવા માટે જ દોડાદોડી કરું છું. હજુ કદાચ તે આ શહેરમાંથી બહાર ન નીકળી શકી હોય એ બનવાજોગ છે. અથવા તો...’