કેપ્ટન દિલીપ અત્યારે ભારત સોસાયટીમાં, તાજ બિલ્ડીંગના ચોથા માળ પર ત્રણ નંબરના ફ્લેટ સામે ઊભો હતો. ફ્લેટનું બારણું બંધ હતું. દિલીપ અત્યારે ઈન્સ્પેક્ટરની વર્દીમાં સજ્જ થઈને આવ્યો હતો. બારણાં પર દિલાવરના નામની પીતળની નેઈમ પ્લેટ ચમકતી હતી. બારણાંની બાજુમાં જ ડોરબેલ હતી. એણે ડોરબેલ દબાવીને પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો. સવારના આઠ વાગ્યા હતા. અંદરના ભાગમાં ડોરબેલ રણકવાનો અવાજ તેને સંભળાયો હતો. થોડી પળો બાદ દ્વાર તરફ આવતાં કોઈકનાં પગલાંનો અવાજ ગુંજી ઊઠ્યો. અને પછી બારણું ઊઘડ્યું.