અભિનવે જીપની બારીનો કાચ નીચે ઊતાર્યો. જાણે ઝાપટ વાગતી હોય તેવી વરસાદી વાંછટ એના જમણા ગાલ પર ધસી આવી. આવા તોફાની વરસાદમાં પૂછવું તો પણ કોને કે, ‘મને ગોરધનદાસ એસ્ટેટ તરફ જવાનો રસ્તો બતાવો.’ પાણીની દિવાલની આરપાર એક આદમીનો આકાર દેખાયો. સસ્તા પ્લાસ્ટિકનુ આવરણ ઓઢીને કોઇ ગરીબ માણસ પગપાળા ચાલતો જઇ રહ્યો હતો. અભિનવે બૂમ પાડવા જેવા અવાજમાં પૂછ્યું, “ એ ભાઇ.....!” પેલો ઊભો રહી ગયો. અભિનવે પૂછ્યું, “મારે ગોરધનદાસ એસ્ટેટ જવું છે. આ રસ્તે થઇને જવાશે ને?”