ટેક્સી અંબિકા નગરના એક-બે માળના જૂનાપૂરાણા મકાન સામે પહોંચીને ઊભી રહી. પછી એમાંથી આશરે છવીસ વર્ષની સાધારણ દેખાવની યુવતી બહાર નીકળી. એણે મીટર જોઈને ભાડું ચુકવ્યું. ટેક્સી આગળ વધી ગઈ. યુવતીના હાથમાં આશરે બે વર્ષનું એક નાનું બાળક હતું. એણે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો. સાંજના પોણાસાત થયા હતા. એણે એક વખત સાવચેતીથી ચારે તરફ નજર દોડાવી. થોડે દૂર પાનની દુકાન પાસે બે-ત્રણ ગ્રાહકો ઊભા હતા. પરંતુ તેમનું ધ્યાન યુવતી તરફ નહોતું. તેઓ પાન ચાવતા વાતોના ગપાટા મારવામાં મશગુલ હતા.