બગીચાના આ સિનિયર સીટીઝન બાંકડા પર આજે ટાંકણી પડે તોય અવાજ સંભળાય તેવી શાંતિ હતી. ચોરસની ત્રણ બાજુ પર ગોઠવાયેલા બાંકડા અને ચોથી ખુલ્લી બાજુવાળી ગોઠવણ પર પંદર જણા નું હકડેઠઠ સિનિયર "પબ્લિક" જામ્યું હતું. ગણેશ બંગલોઝમાં રહેતા પાંચઠ વર્ષ ના નાનુભાઈ શાહ સૌથી પૈસાદાર અને સમૃદ્ધ હતા. તેણે અમદાવાદથી ખાલી હાથે મુંબઈમાં આવીને કરેલી શૂન્ય માંથી મલ્ટીમિલિયોનર સુધીની સફરની દંતકથાઓ કોર્પોરેટ વર્લ્ડમાં કહેવાતી હતી. તેનું ડાય ઇન્ડસ્ટ્રીમાં તથા બીજા અનેક ધંધામાં ગુંજતું નામ હતું.તેના બે દીકરા સુરજ અને આકાશએ ધંધાનો બધો ભાર ઉપાડી લીધો હતો. નાનુભાઈ હવે એકદમ નિવૃત જેવી જિંદગી જીવતા હતા.