“આખું વહાણ જ ઊડી ગયું!” હર્બર્ટે કહ્યું. “હા! જાણે આયર્ટને દારૂગોળો ફૂંકી માર્યો હયો એમ ઊડી ગયું!” ખલાસીએ જવાબ આપ્યો. “પણ શું બન્યું હશે?” સ્પિલેટે પૂછ્યું. “તે આપણે થોડી વારમાં જોઈશું.” ઈજનેરે જવાબ આપ્યો.“મુખ્ય મુદ્દો એ છે કે ચાંચિયાઓનું નિકંદન નીકળી ગયું!” બધા ઝડપથી લિફ્ટમાં બેઠા અને કિનારે પહોંચ્યા. વહાણનો કોઈ ભાગ દેખાતો ન હતો. મોજાં પર ઊંચે ઊછળીને તે પડખાંભેર પડી ગયું હતું. વહાણમાં કોઈ મોટું બાકોરું પડ્યું હશે એમાં શંકા ન હતી. ખાડીમાં પાણી વીસ ફૂટ ઊંડું હતું. ઓટ થાય તે વખતે વહાણ તળિયે બેઠેલું જોઈ શકાશે.