લગ્નની બાબત એ તો ભાગ્યના ખેલ છે. એમાં માણસનું શું ચાલે! ભગવાને કે બ્રાહ્મણોએ નક્કી કર્યું હોય ત્યાં જ એ થાય. ભારતનાથે લીલા માટે વર ગોતવામાં કશી કમી રીખી ન હતી તોય એમની ઇચ્છા પ્રમાણેનાં વર કે ઘર ના મળ્યાં. દરેક પિતાની ઇચ્છા પ્રમાણે એ પણ દિકરીને સુખી જોવા ઇચ્છા હતા. એમને ધન દોલત જ સૌથી વધુ મૂલ્યવાન હતાં. શિક્ષણ અને ચારિત્ર્યને એ ગૌણ સમજતા. ચારિત્ર્યની તો વાત જ કરવા જેવી નથી. અને આજકાલના જમાનામાં શિક્ષણનું શું મૂલ્ય છે? સંપત્તિની સાથે શિક્ષણ હોય તો તો પૂછવું જ શું? એવું ઘર શોધવા છતાં એમને મળ્યું નહીં.