કાળુ, કાસમ, હરિયો અને સેવાકાકો રેકડીમાં માલસામાનની ફેરી કરીને પેટિયું રળતા. પણ હવે વાહનો વધતાં રેકડી માટે માઠા દિવસો શરૂ થયા હતા, મને-કમને રેકડીના પૈડાં ચાલતા રહેતા, પણ કાળુ આ બધામાં અલગ તરી આવતો, તેને ભાડાના પૂરતા પૈસા મળતા ત્યારે જ તે ફેરી કરતો. કાળુને આગળ-પાછળ કોઈ નહીં, કાળું અને કાસમ જિગરજાન મિત્રો. મિત્ર, ભાઈ, સંબંધી જે કહો તે કાસમ. પણ કાસમની સ્થિતિ નબળી હતી, બીમાર પત્ની, અપંગ દીકરો, એક જુવાન દીકરી, મકાનભાડું, દવાના ખર્ચા, રોજિંદા ખર્ચા અને હવે ઢળતી ઉમર કાસમની રેકડીને ક્યારેય જંપવા દેતી નહીં, ઓછા પૈસા ને વધારે મહેનત છતાં કાસમની રેકડી ચાલ્યા કરતી. ઘણીવાર કાળું પોતાની ફેરી પણ કાસમને આપી દેતો અને ભાર વધારે હોય તો ઠેઠ સુધી ધક્કો મારવા પણ જતો.