એક શુભ સવારે શિયાળના લગનનો મહામાંડવો રોપાયો.ચારેબાજું લીલાછમ્મ તોરણો બાંધ્યા હતાં.ચારેકોર પુષ્પોની ફોરમ રેલાવા લાગી. મહેમાનોનું સ્વાગત કરવા મુખ્ય દરવાજે વનલતાઓને બેસાડી રાખી હતી.આમંત્રિતોને નહાવા માટે નદીઓના નીર લાવી રાખ્યા હતા.પાણી પીવા માટે ડુંગરદાદા પાસેથી ઝરણાઓને તેડાવી લીધા હતાં.જાત-જાતના ને ભાત-ભાતના ભોજનની તૈયારીઓ થઈ ગઈ હતી.આખું જંગલ જાણે લગનની વેદીએ ચડવા થનગની રહ્યું હતું.