પણ... વિનીતની હાલત જોવા જેવી થઇ હતી. અનેરીને આમ મને આલીંગતા જોઇને તેનાં જીગરમાં હડકંપ સર્જાયો હતો. મેં તેનાં ચહેરા ઉપર આવેલાં એક્ષ્પ્રેશન જોયા હતા. તેનું ચાલ્યું હોત તો તે મને કાચોને કાચો જ ખાઇ ગયો હોત, પરંતુ એવું તે કરી શકે તેમ નહોતો. અનેરી સમક્ષ પોતાની છબી કોઇ કાળે ખરાબ થાય એવું તે કયારેય કરશે નહી એનો મને ખ્યાલ હતો. તે પણ અમારી નજીક આવીને ઉભો રહયો. તેની આંખોમાં મારા પ્રત્યેનો તિરસ્કાર હું સ્પષ્ટપણે વાંચી શકતો હતો. પરંતુ હવે મને તેની કોઇ પરવા નહોતી. અનેરીનાં એક આલીંગને મારામાં થોડી હિંમત પ્રગટાવી હતી કે હું પણ તેનાં જીવનમાં થોડું ઘણું મહત્વ ધરાવું તો છું જ. ખેર... મેં વિનીત તરફથી ધ્યાન ખસેડીને પેલા દસ્તાવેજમાં પરોવ્યું.