આમ તો એ ખેડૂતનો દીકરો હતો અને નાનો હતો ત્યારે બાપા સાથે ખેતરે જતો પણ એ બાળ સહજતા હતી,લાંબો સમય શહેરમાં રહ્યા પછી એને હવે ઉંડે ઉંડે પોતાનામાંથી કંઈક ભુલાઈ જતું હોય એવું લાગતું હતું.ઘણા મનોમંથનને અંતે એના ધ્યાનમાં આવ્યું કે હું મારું ગામડું જ ભૂલી રહ્યો છું અને એટલે જ એણે આ બે મહિના ફકતને ફક્ત ગામડે જ વિતાવવાનું નક્કી કર્યું હતું.રોજ સવારે વહેલો ઉઠીને એ પોતાના ખેતરે જતો રહેતો.લહેરાતા પાક પર પડેલાં ઝાકળના બુંદો જોઈને એને ખૂબ આનંદ આવતો.સવારની તાજી હવા એના ફેફસાંને એક અદમ્ય ઉત્સાહથી ભરી દેતી.ટાઢા પહોરમાં ખેતરના શેઢે ચાલવું એને ખૂબ ગમતું. જેમ જેમ સૂરજનારાયણના આવવાની છડી પોકારાય એમ એમ આખી રાતનો સુષુપ્ત પડેલો વગડો જાણે કે સૂતેલો વનરાજ આળસ મરડીને બેઠો થાય