મને ખ્યાલ આવી ગયો કે મેં ખોટા સમયે ખોટો જવાબ આપ્યો હતો. મારા ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે ગુસ્સામાં આવીને ફોન કટ કરી દીધો એ ખરેખર તો એક બહાનું હતું કારણકે તેણે પોતાનો ફોન પોતાની બહેનને આપી દેવાનો સમય થઇ ગયો હતો. બંને બહેનો વચ્ચે એક જ ફોન હતો અને તેઓ વારાફરતી વાત કરતા હતા. રાત્રે અગિયાર વાગ્યા પછી તેણે પોતાનો ફોન પોતાની મોટી બહેનને આપવો પડતો હતો અને તો જ તે જય સાથે વાત કરી શકતી હતી. હું રૂમમાં પ્રવેશ્યો ત્યારે જય ફોન પર વાત કરી રહ્યો હતો. હું મારી બેડમાં સુધો અને પંખા સામે જોતા જોતા દિપાલીએ અમદાવાદ આવવાના નિમંત્રણ વિષે વિચારવા લાગ્યો. પહેલીવાર કોઈ છોકરીએ કહ્યું કે તે મને મળવા માંગે છે.