જીવી કંઈ હવે બાળક રહી નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી - કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી કળી કાઢતી હતી તો પછી મથુર પણ શું પોતાને નહીં પારખી કાઢતો હોય ? જીવી તો પાછી ઝટ પરખાય તેવી હતી : ગોરી, કદાવર અને નમણી : મહી માતાનું જ ભરપૂર પ્રવાહી રૂપ. મહી નદીથી જીવીનું મહિયર વટાદરા જો કે ત્રણેક ગાઉ છેટું હતું : તો પણ પાછી પાટણવાડિયાની પુત્રી. પાતણવાડિયો એટલે તો ઠાકરડામાં પણ સૌથી મજબૂત કોમ. બેશક, પાટણવાડિયા કહેવાય તો પરદેશી ! કાંઠાના બારૈયાઓ એને પોતાનાથી ઊતરતા ગણે. જીવી, એ રીતે, ઊતરતી જાતમાં જન્મેલી ગણાય.