બે જવાબ દિલ, એક ધડકન. જન્મોના પ્યાસા બે પ્રેમીઓ, પતિ-પત્ની લગ્નની પહેલી રાત સુહાગરાત, અને આવું કાળુ નસીબ! હાય રે વેરી વિધાતા! આ તે તારી કેવી કરુણા! આવુ બદનસીબ તો કોઈ અભાગિયાને જ મળે. કિન્તું આ તો હાથે કરીને આવા બદનસીબ બન્યા છે. નહીં તો જિંદગીનો પ્રથમ પરમાનંદ માણતાં કોણ રોકી શકે કિન્તુ સૂરજ મહાસંયમી હતો. એ જાણતો હતો કે સેજલને પોતે પત્ની બનાવી શકવાનો નથી. તો પછી એની કોમાર્ય કળીને કેમ કરીને અભડાવી દેવી! ક્ષણિક સુખ માટે થઈને શું કામ એની આખી જિંદગીને કલંકિત કરી નાખવી નાની-શી આંખોમાં જાણે હિંદ મહાસાગર ભરી રાખ્યો હોય એમ આંખો વહી રહી હતી. એક રૂમ હતી, એક પલંગ હતો ને રાતનો સુનકાર હતો. છતાંય આ બંને શરીર પલંગના સામસામેના છેડે બેસી આંખોને વરસાવી રહ્યા હતા. આ બંને દુ:ખીયારાઓ ક્યારે સ્નેહથી એક થાય અને વળગી વળગી પડશે એ જોવા કાળરાત્રી રૂમના દરવાજા પાછળ સંતાઈને ઊભી રહી. કિન્તુ એ બિચારીની ઈચ્છા ફળી નહિ ને ક્યારે પ્રભાત ખીલી ગઈ એની એને ખબર ના રહી.