અરે યાર, અમદાવાદ તો અમદાવાદ જ છે. એની આગળ મુંબઈ જેવા મુંબઈની કંઈ વિસાત નથી! ગુજરાતનો એ તેજસ્વી અને ઓજસ્વી ચમકતો સિતારો છે. દેશાવરથી લોક હોંશે હોંશે એના દીદાર કરવા આવે છે. એની પોળ જગતની અલાયદી અજાયબીઓ છે. સાબરમતી નદી ભલે એ શહેરના બે ભાગ પાડતી હોય કિન્તું એના પર બાંધેલા પુલ જાણે એકમેકના હાથ ખેંચીને એકમેકમાં સમાઈ જવા તડપતા બે આશિક! અરે, હા! લાલદરવાજાની મીઠી ભીડમાં તો નોખા પડ્યા એટલે આપણે શોધ્યાય ન જડીએ! એટલી ભીડ જાણે કીડીયારું ઊભરાયું! લાલ દરવાજાની ભીડમાં અટવાઈ જવું એ મારા માટે એક મહામૂલો અવસર. મને તો મારા એ અમદાવાદને કાખમાં તેડીને લાડ કરવાના લાખેણા ચળ ઉપડે છે. ઘણીવાર થાય છે કાશ! અમદાવાદ એક માસૂમ યુવતી હોત ને મારા મોહમાં ઓળઘોળ હોત! હું ઘડીયે એનાથી અળગો ન જાત. અને અચાનક એને સેજલ સાંભરી. એ એટક્યો. મનોમન બમડ્યો: પ્રેમ કરવો ક્યાં સહેલો છે એમાં તો જીવ આપવાની કે જીવ લેવાની જીવસટોસી બાજી ખેલવી પડે છે.