એ બેઠો થયો. સીગાર સળગાવી. કસ માર્યા. ધુમાડાનું વાળું કરવા માંડ્યું. ભયંકર ઉધરસના ઓડકારે એના ગળાને બાળવા માંડ્યું. હાથમાં સિગારેટ, આંખમાં આંસું અને અધરો પર લાળની લાલિમાં. ઉપરાઉપરી ચાર સિગારેટ સળગાવીને એણે એની ફરતે ધુમાડાનું સામ્રાજ્ય સર્જી નાખ્યું. ધુમાડાના ગોટેગોટામા એ સેજલને ફંફોસવા મથ્યો. માંડ આછા આભાસમાં સેજલ દેખા દે અને પાછી અદ્રશ્ય! સેજલને નોંધારી મૂકી આવ્યાની પીડા એના અંતરને કોસવા લાગી. એણે ભયંકર કૃત્ય કર્યું હોય એમ પીડાના મચ્છરોની વિશાળ સેના ચાંચના તીક્ષ્ણ તીરથી વીંધી રહી.