એ જ રાત્રીએ જે આશ્ચર્યજનક સમાચારની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા રાષ્ટ્રમાં એક વિસ્ફોટની જેમ ફૂટ્યા અને ત્યારબાદ તે મહાસાગર પસાર કરીને સમગ્ર વિશ્વની ટેલિગ્રાફ ઓફિસોમાં પહોંચી ગયા. તોપનો ગોળો મળી ગયો હતો, જેના માટે લોંગ’ઝ પીકના રાક્ષસી રીફલેકટરનો આભાર માનવો જોઈએ! આ રહી એ ચિઠ્ઠી જે કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીના ડિરેક્ટરને મળી હતી. તેમાં ગન ક્લબ દ્વારા કરવામાં આવેલા આ મહાન સંશોધનનું વૈજ્ઞાનિક પરિણામ જણાવવામાં આવ્યું છે.