‘ગીતા’નો આરંભ કેવી રીતે છે? યુદ્ધ કરવું કે ન કરવું, એ યોગ્ય કે અયોગ્ય, એ પ્રશ્નો હવે રહ્યા નથી. યુદ્ધનો નિશ્ચય થઈ ચૂક્યો છે. બંને પક્ષનાં સૈન્યો સજ્જ થઈને ગોઠવાઈ ગયાં છે, અને સેનાપતિ તરફથી લડવાનો હુકમ નીકળે એટલી જ વાર છે. પછી તો બંને પક્ષમાં રણનાં વાજિંત્રો વાગ્યાં. પૃથ્વી અને આકાશને ધણધણાવી નાખે એવો ભયંકર અવાજ થયો. દરેક વીરે પોતપોતાનો શંખ વગાડી પોતાની સેનાને પાનો ચડાવ્યો. અર્જુનના શંખનાદે પ્રતિસ્પર્ધીઓનાં હૃદયોમાં થથરાટી ઉપજાવી.