મુંબઈની એક નાની પોસ્ટ-ઓફિસમાં રજિસ્ટર લેવાતાં હતાં. તે બારીએ હાથમાં એક પરબીડિયું લઈને ઊભેલા સુખલાલની પીઠ જ ફક્ત અંદર જનારને દેખાતી હતી. એ પીઠ તો હવે જોવા જેવી પણ થઈ હતી ખરી ને! એ પીઠ ધીરે ધીરે બાજઠનો ઘાટ ધારણ કરતી હતી. પીઠ પરના ડગલામાંથી કરચલીઓ રોજેરોજ રજા લેતી હતી. એ ઝાઝી વાર ઊભો રહ્યો. છતાં ટપાલનો કલાર્ક પોતાના ચોપડામાંથી માથું ઊંચું કરતો નહોતો.