વેવિશાળ - 3

(232)
  • 37.8k
  • 6
  • 28.3k

આવ્યા બાદ ત્રણેક મહિને સુખલાલે સુશીલાને પહેલવહેલી દીઠી. વચ્ચે બે’ક વાર સસરાએ જમવા નોતર્યો હતો ત્યારે પોતાની સાથે મોટરમાં જ લાવીને, જમાડીને તરત મોટરમાં પેઢી પર મોકલી દીધેલ. જમતાં જમતાં એણે કોઈનો ફક્ત એટલો જ ટૌકો સાંભળેલ કે ‘સુશીલાબહેનને મૂકીને મોટર પાછી જલદી લાવજો.’ એટલે એણે અનુમાન બાંધ્યું હતું કે કન્યા મોટરમાં બેસીને ક્યાંક બહાર જતી હશે. ભણવા જતી હશે? ભરવાગૂંથવા કે સંગીત શીખવા જતી હશે? બજારમાં સાડીઓ ને સાડીની પિનો લેવા જતી હશે? એવા પ્રશ્નો ઊઠ્યા, ને જમતો જમતો સુખલાલ મનથી તો મુંબઈના કેટલાક પ્રદેશોની ટાંટિયાતોડ કરતો રહ્યો.