જંગલની અંદર સાંજના અંધારા ઉતરતાં હતાં. ગુરુ ગોવિંદસિંહ એકલા બેસી રહ્યા હતા. થાકેલ શરીરને પોતાના કિરપાણ ઉપર ટેકવી ગુરુ શો વિચાર કરતા બેઠા હતા? ગુરુ વિચારતા હતા પોતાની જીવન-કથા: `જવાનીને સમયે મારી છાતીમાં કેટકેટલા મનોરથો ભરેલા! આખા ભારતવર્ષને મારી ભુજાઓમાં ઉઠાવી લેવાનું સ્વપ્ન કેટલું સુંદર ભવ્ય, મોહક! આજ આ કિરપાણનું પાણી કાં ઉતરી ગયું? આજ એ ભારતવર્ષને ઓળંગીને મારી ભુજાઓ એવી કઈ મહાન દુનિયાને ભેટવા તલસે છે? ત્યારે શું આ ભૂલ હતી! જિંદગાની શું એળે ગઈ!'