કુરબાનીની કથાઓ - 7

(15)
  • 2.7k
  • 1
  • 1.4k

પંચ સિંધુઓને કિનારે, પંજાબની વીરભૂમિ ઉપર એક દિવસ યુદ્ધનાદ ઉઠયા: `જય ગુરુ, જય ગુરુ!' નગરે ગામડે અને ઝૂંપડે ઝૂંપડે એ ગુરુમંત્ર ઝિલાયો. પ્રત્યેક જીભ પર એ ઘોષણાનો પડઘો પડયો. જોતજોતામાં તો એકેએક શીખ જાગી ઉઠયો. માથા લાંબા કેશ સમારીને એણે વેણી બાંધી, કમર પર કિરપાણ લટકાવ્યાં, વહાલાં સ્વજનોની માયા-મમતા ઉતારી: અને વૈરીજનોનો, વિપત્તિનો, મોતનો ડર વીસર્યો. હજારો કંઠમાંથી ભભૂકતી જયઘોષણાએ દસેય દિશાઓને ધણધણાવી દીધી. શીખ કોમના બચ્ચાઓ પોતાની નવજગૃતિના સૂર્ય સામે અનિમેષ નયને નિહાળી રહ્યા.