નં. ૪૦૪૦ જ્યારે અહીં ઑફિસમાં આવે છે ત્યારે હું ખુશખુશાલ બની રહું છું. એ તો મહારાજા બન્યો છે, મહારાજા. એને ડર ગયો છે. કેદીઓને થરથરાવી ઢીલા પાડી નાખનારી તમામ સજાઓનો સ્વાદ એોણે કરી દીધો છે. સજારૂપી તમામ તરવારોની ધારને એણે બૂઠી બનાવી નાખી છે. એક પછી એક સજાને હસતે મોંએ વધાવીને `ઔર કુછ?' કહી નવનવા સરપાવ માગતા જતા એ કેદીએ જેલની સત્તાને છોટી કરી બતાવી. તમામ સજા એક પછી એક અથવા તો સામટી, જેમ ફરમાયેશ થઈ તેમ તેણે ભોગવી બતાવી. નં. ૪૦૪૦ મરણિયો બન્યો એટલે તો ઊલટું એનામાં પડેલું ગુપ્ત દૈવત પોલાદ જેવું અભેદ્ય બન્યું.